શ્રી સરસ્વતી શિશુમંદિર – ગોડલ
૫-જુલાઈ, ૧૯૮૩ના રોજ વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિરનો ગોડલમાં શ્રી ગણેશ થયો. શિશુમંદિરની શરૂઆત જતાં ભોજનાલયના બે નાનાં રૂમમાં ૧૦ વિદ્યાર્થીઓથી થઈ. શિક્ષણમાં ભારતીયતા પ્રગટાવવા તત્પર વ્યવસ્થાપકો, ટ્રસ્ટીઓ અને આચાર્યોના અથાગ પ્રયત્નો રંગ લાવ્યા. શિશુમંદિર સમાજમાં પ્રતિષ્ઠિત થવા લાગ્યું. સમાજના ભાવનાત્મક અને આર્થિક સહયોગના આધારે ૨૬ માર્ચ ૧૯૮૮માં ગોડલ શિશુમંદિરનું ભૂમિપૂજન, ભુવનેશ્વરી પીઠ ગોડલના આચાર્ય પૂ. ધનશ્યામજી મહારાજ તથા રાષ્ટ્રીય વિચારધારાથી રંગાયેલા, પ્રેરણામૂર્તિ અને અનેક સેવાભાવી સંસ્થાના માર્ગદર્શક ડૉ. પ્રાણલાલ દોશી (પૂ. પાપાજી)ના હસ્તે કરવામાં આવ્યું. જૂન ૧૯૮૯થી વિદ્યાર્થીઓએ પોતાના સપનાઓ સાકાર કરવા નવા ભવનમાં અભ્યાસ શરૂ કર્યો.
બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને તે શ્રેષ્ઠ મનુષ્ય બને એ જ શિશુમંદિરનું લક્ષ્ય છે. એ લક્ષ્ય પરિપૂર્ણ કરવા જૂન ૨૦૦૨થી માધ્યમિક વિભાગ શરૂ કરવામાં આવ્યો. રાષ્ટ્રભક્તિ, અનુશાસન, સમયપાલન, સ્વાભિમાન, વિવેક અને કૃતજ્ઞતા જેવા અનિવાર્ય સંસ્કારોનું સિંચન શિશુમંદિરમાં થાય છે. પરંતુ, વર્તમાન સમયમાં કોઈપણ વિદ્યાલયનું મૂલ્યાંકન જાહેર પરીક્ષાના પરિણામોના આધારે જ કરવામાં આવે છે. માર્ચ-૨૦૦૫ ધોરણ ૧૦ની પ્રથમ બેચનું પરિણામ ૧૦૦% મેળવી શિશુમંદિરે સાબિત કર્યું કે, વિવિધ સહગણોના સિંચન સાથે સારું શિક્ષણ પ્રાપ્ત થઈ શકે છે.
માર્ચ-૨૦૦૬માં ધો. ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની કોમલ પ્રભુલાલ નકુમ સમગ્ર ગોડલ શહેરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી, ગોડલના વાલીઓને પોતાના બાળકોના શૈક્ષણિક પ્રવેશ માટે નવી રાહ ચીંધી. જાહેર પરીક્ષાના સારા પરિણામોની પરંપરા માર્ચ-૨૦૧૮ના પરિણામ સુધી યથાવત રહી છે. વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી, વર્ષ ૨૦૧૦થી દરેક ધોરણમાં બીજો વર્ગની શરૂઆત કરવામાં આવી.
વિદ્યાલય સામાજિક ચેતનાનું કેન્દ્ર બને તથા વિદ્યાર્થીઓ મનને શાંત, પ્રફુલ્લિત, ઉલ્લાસભરિત રાખવા માટે વિદ્યાલયમાં જ ગાયન, વાદન (તબલા, હાર્મોનિયમ) અને ભરતનાટ્યમના વિશારદ સુધીના વર્ગો વર્ષ ૨૦૧૨થી શરૂ કરવામાં આવ્યા. આ વર્ગોમાં તાલીમ લેવા માટે અન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓ પણ આવે છે.
શરીરને સ્વસ્થ, નિરામય, તંદુરસ્ત, બળવાન તથા કાર્યક્ષમ રાખવા માટે શારીરિક શિક્ષણ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓ શારીરિક શિક્ષણના માધ્યમથી વિદ્યાભારતી અને સરકારશ્રી દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતા હોય છે. વર્ષ ૨૦૧૫માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યોજના અનુસાર ‘ગન સ્કૂલ’ પ્રોગ્રામ હેઠળ ટેબલ ટેનિસ (ચાર ટેબલ) બેડમિન્ટન બે રમતોની સાધનોથી સજ્જ ક્રીડાંગણનું નિર્માણ થયું. બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓનું સઘન કોચિંગ હાલ વિદ્યાલયમાં ચાલી રહ્યું છે.
જૂન-૨૦૧૫ થી શિશુમંદિરમાં સામાન્ય પ્રવાહની શરૂઆત થઈ. સામાન્ય પ્રવાહ પણ ઉજ્જવળ પરિણામોની પરંપરા શિશુમંદિરે જાળવી રાખેલી છે. વિદ્યાભારતીના માર્ગદર્શનથી આચાર્ય, પ્રધાનાચાર્યની મહેનતથી ટ્રસ્ટી, વ્યવસ્થાપકો તથા સમાજ અને વાલીઓના સાથ-સહકારથી શ્રી સરસ્વતી શિશુમંદિર – ગોડલ વટવૃક્ષ બની ગયું છે.
હાલ, પ્રવેશ આપતાં વિદ્યાર્થીઓના વાલીઓને ના પાડવી પડે છે. એ સિવાય, ગોડલ તાલુકાના ગ્રામિણ વિદ્યાર્થીઓને પણ પ્રવેશ આપી શકાતો નથી. એટલે એક મોટું ભવન આધુનિક સુવિધાઓ તથા રમતો-ગમતના મેદાન સાથે નિર્માણ થાય, એ હેતુથી ૬ વીઘા જમીન સંસ્થાને પ્રાપ્ત થયેલ છે. ત્યાં સમાજ શ્રેષ્ઠીઓના આર્થિક સહયોગના આધારે ભવન નિર્માણ થશે. તેનું પ્રથમ પગથિયું એટલે ભૂમિપૂજન…